(રીડગુજરાતી.કોમ ઉપર પ્રશંસા પામેલી મારી આ વાર્તા “સંવેદના આપ સર્વે વાચકોં સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવુ છું.
સમય ફાળવી સહકાર આપશો. આપના સહકારથી લેખન કાર્યમાં બળ મળે છે . તો જરૂર “સંવેદના”ને ન્યાય આપશો.)
આજે એમની વાત કરવી છે. એમની ઓળખ તો વળી શું આપવી ? ‘મૂઠી ઉંચેરા માનવી’ જ કહો ને ! 78 વર્ષની વયે પણ એમની યાદશક્તિ ગજબની હતી. ઉંમરને કારણે શરીર ક્ષીણ બન્યું હતું અને આંખો પણ ઝાંખપ અનુભવતી પરંતુ તેમ છતાં, એમના રોમરોમમાંથી ખુમારી ટપકતી હતી. નદીના પ્રવાહ જેવી વેગવંતી એમની વાણી હતી. એમની દરેક વાતમાં જુસ્સો વર્તાતો હતો. દુનિયાની દષ્ટિએ કહેવાતી સફળતા એમને જીવનમાં ન મળી હોવા છતાં ક્યારેય અફસોસ થયો હોય તેવું તેમણે કદી અનુભવ્યું નહોતું. જીવનને તેઓ ઝીંદાદિલીથી જ લેતાં. તેઓ અસફળતાનો સ્વીકાર કરી જાણતાં.
તેમની વધુ એક ખાસિયત એ હતી કે તેઓ હાજરજવાબી હતાં. અમે સૌ કુટુંબના સભ્યો સાથે બેઠા હોઈએ ત્યારે વારે-પ્રસંગે નિર્દોષ મજાક પણ કરી લેતાં. વાતોડિયાં તો એ ગજબના. એકવાર અમે બધાં જમીને રાત્રે બેઠા હતાં. એ દિવસે એમના નાનાભાઈ એટલે કે મનુભાઈ પણ મુંબઈથી આવેલા. મનુભાઈ સ્વભાવે ખૂબ ઓછાબોલાં. કંઈક અગત્યની વાત હોય તો જ મોં ખોલે. પરંતુ એ દિવસે તો બંને વાદે ચઢ્યાં. વાત જન્મતારીખની હતી.
મનુભાઈ કહે : ‘મારી જન્મસાલ 1924 છે અને તમારી મોટાભાઈ 1922 છે.’
તેઓ તુરંત જ બોલ્યા : ‘ના….ના….. મારી જન્મતારીખ તો બચપણથી મને યાદ છે. તે 1924 જ છે.’
‘ભાઈ, પણ હું નાનો છું તો મારી 1924 હોય ને ? તમારી કેવી રીતે હોઈ શકે ?’ મનુભાઈ બોલ્યાં.
તેઓ ખડખડાટ હસીને બોલ્યાં : ‘તો પછી તું મોટો હોઈશ ! માબાપ આપણને બે વર્ષનાં છોડીને ગુજરી ગયેલાં એટલે જન્મતારીખોનો હિસાબ આપણને શું ખબર ?’ – બસ, આવી રીતે તેઓ સૌની સાથે હસીમજાક કરીને વાતાવરણને ગૂંજતું રાખતાં.
તેમણે ક્યારેક કોઈ પૂજાપાઠ નહોતા કર્યાં. જપ-તપની કોઈ ઈચ્છા તેમને નહોતી. તેમ છતાં અમે જોયેલું કે એમની અંદર જે ઈશ્વર પ્રત્યેની દ્રઢ નિષ્ઠા હતી તે મંદિર જનારા લોકો કરતાં પણ સવિશેષ હતી. ક્યારેક કોઈને સંગાથ આપવા તેઓ મંદિરે પણ જતાં પરંતુ તેઓ ખાસ કોઈ જતું ન હોય એવા નાના મંદિરોએ જવાનું પસંદ કરતા. એવા મંદિરોમાં તેઓ પોતાની સ્થિતિ મુજબ કંઈક આપતાં. એમનું વ્યક્તિત્વ આ રીતે સાવ અલગ હતું. દુનિયા પાસે માણસને તોલવાનું ત્રાજવું એટલે ફકત પૈસા અને અમીરી. એમના ત્રાજવા સાવ નોખાં હતાં. એમનામાં દિલની અમિરાત જોવાની કલા સિદ્ધ હતી. તેઓ કહેતા કે આપણે આપણી સામેની વ્યક્તિને બરાબર સમજવો હશે તો આપણાં તોલમાપ બદલવા પડશે અને પરંપરાગત ચાલી આવતી વિચારસરણીને અટકાવવી પડશે. જો આમ થશે તો જ દેશમાં ક્રાંતિનો રણકો સંભળાશે.
તેમણે અમને કહેલો તેમના જીવનનો એક પ્રસંગ તો ક્યારેય ભૂલી શકાય તેમ નથી. કદાચ એમના પૂર્ણ વ્યક્તિત્વનું પ્રતિબિંબ આપણને આ પ્રસંગમાંથી મળશે. શિયાળાના એ દિવસો હતાં. ખૂબ કાતિલ ઠંડી હતી. ઠંડીથી બચવાના બે જ ઉપાય હતાં. એક તો ‘ચાની પ્યાલી’ અને બીજો કોલસાની સગડી. અમે બધાં કૂંડાળું વળીને સગડી પર હાથ શેકી રહ્યાં હતાં અને તેઓ અમારાથી થોડેક દૂર ધાબળો ઓઢીને, માથે વાંદરાટોપી પહેરીને આરામ ખુરશીમાં બેઠા હતાં. સૌ ગરમી લેવાં સગડીની લગોલગ એટલાં નજીક બેઠેલાં કે હાથ શેકવાની અંદરોઅંદર ઝપાઝપી ચાલતી હતી. એટલામાં કોઈએ દરવાજાની સાંકળ ખખડાવી. આટલી ઠંડીમાં દરવાજો ખોલવા કોણ ઊભું થાય ? કોઈને ઊઠવાની ઈચ્છા નહોતી. અમે બધાં માથું નમાવીને સગડીમાં હાથ શેકી રહ્યાં હતાં. કોઈ ન ઊઠ્યું એટલે તેઓ જાતે ઊઠયાં. એમને ઊઠતાં જોઈને પણ કોઈ ન હાલ્યું. આંખોએ ઝાંખપ હોવા છતાં તેઓ ધીમે ધીમે દરવાજા તરફ ગયા. દરવાજે દુકાનનો નોકર ચાવી આપવા આવેલો. તેઓ ચાવી લઈને પાછા આવ્યાં. તેઓ અમારા બધા પર થોડાં ધૂંધવાયેલા હતાં. છોકરીઓ તો ઠીક અંધારામાં ન જાય પરંતુ બે યુવાન પૌત્રો પણ ન ઊઠ્યાં એટલે તેઓ નારાજ થતાં બોલ્યાં :
‘સોળ વર્ષની ઉંમરના થઈનેય આ છોકરાંઓ બારણું ખોલવાં જતાં નથી તે જીવનમાં આગળ ઉપર શું કરશે ? તમને ખબર છે ? દશ-બાર વર્ષની ઉંમરે તો હું એકલો મારી દાદીને લારીમાં સ્મશાન લઈ ગયેલો અને મેં એકલાં એ એમનાં અગ્નિસંસ્કાર કરેલાં.’ – અમે બધાં તેમની વાત સાંભળીને ચમક્યાં. આ વાત તો એમણે અમને ક્યારેય કરી નહોતી. અમે બધાંએ એમને આ વાત જણાવવા વિનંતી કરી. શિયાળાની રાતની ઠંડીમાં આખું ગામ થરથરતું હતું. બધે સોપો પડી ગયો હતો. એમણે જરા ધાબળો ઊંચો કરી, સરખો ઓઢીને વાંદરાટોપી સહેજ નીચે તરફ ખેંચી અને વાતની શરૂઆત કરી.
‘એ સમયે મારી ઉંમર ચાર વર્ષ અને નાના મનુભાઈની ઉંમર બે વર્ષની. માબાપ તો અમને નાની ઉંમરમાં અનાથદશામાં જ છોડીને સ્વર્ગે સિધાવી ગયાં હતાં. એમને એમનો ચહેરોય યાદ નથી કે નથી અમારી પાસે એમનો કોઈ ફોટો. હવે અમને બંને ભાઈઓને રાખે કોણ એ મોટો સવાલ હતો. પૂનામાં રહેતા એક માસી મારા નાનાભાઈને લઈ ગયાં અને મહેસાણામાં રહેતા મારા દાદી મને લઈ ગયાં. નાની ઉંમરમાં તો ‘દાદી’ શું ને ‘બા’ શું ? હું તો દાદીને પણ બા કહીને જ બોલાવતો.
બાએ છઠ્ઠાવર્ષે મને સ્કૂલમાં ભણવા મૂક્યો. હું બે વર્ષ ભણ્યો. આખી જિંદગીમાં માત્ર બે ધોરણ જ ભણ્યો. આઠ વર્ષનો થયો ત્યારે બા માંદા પડ્યાં. બાને ટી.બી થયેલો. એ જમાનામાં ટી.બી જીવલેણ રોગ ગણાતો. બા બિચારી પહેલેથી જ ગરીબ હતી. આજુબાજુનાં કામ કરતી ત્યારે અમારું જીવન ચાલતું. એને બિમારી આવી એટલે રહી સહી બચત પણ વપરાઈ ગઈ. આઠ વર્ષની ઉંમરમાં તો મને કયું કામ આવડે ? એ વખતે મને કોથળા ગણીને તેની થપ્પી મારવાનું કામ મળ્યું. એ સમયે ગુજરાતમાં જીન ચાલતાં. મારે રૂની ગાંસડીઓ ભેગી કરવાની અને તેને સંકેલીને થપ્પી મારી એક બાજુ ગોઠવી દેવાની. આ કામમાંથી થોડાં ઘણાં પૈસા મળેલાં. એમાંથી મેં એક લારી ખરીદેલી, જેથી લારી ચલાવીને થોડું વધુ કામ કરી શકાય.
વખત જતાં બે વર્ષ પછી બાનું અવસાન થયું. ટી.બી. એ વખતે એટલો ચેપી રોગ ગણાતો કે લોકો તેના નામ માત્રથી ડરતાં અને ટી.બી.ના દર્દીથી માઈલો દૂર રહેતાં. અમે ગરીબ હતાં. અમારી તો કોણ ખબર પૂછે ? બા ગુજરી ગયાં ત્યારે કોઈ મદદમાં ન આવ્યું. આવા કપરા સમયે પડોશી જરૂર આવશે એવી આશા જાગેલી, પરંતુ કોઈ ડોકાયું સુદ્ધાં નહીં. મને પાક્કો ખ્યાલ નથી પરંતુ એ સમયે મારી ઉંમર કદાચ દશ કે અગિયાર વર્ષની હતી. મારી સામે મૃતદેહ પડેલો અને હું ટૂંટિયું વાળીને બેઠો હતો. કોઈક તો આવશે એ આશામાં બે-ત્રણ કલાક પસાર થઈ ગયાં. પરંતુ કોઈને દયા ન આવી. નાની ઉંમરમાં મેં ઘણી કપરી પરિસ્થિતિ જોઈ હતી એટલે સાવ તો ભાંગી નહોતો પડ્યો પરંતુ શું કરવું તે મને સમજાતું નહોતું. વિચારો કરતો હું ઊભો થયો. દરવાજો ખોલીને એક આશાએ જોયું કે કોઈ આવે છે ખરું ? પરંતુ પાડોશીઓનાં બારણાં સજ્જડ બંધ હતાં. એકાએક મારી નજર ત્યાં પડેલી લારી પર પડી. મારી બાળબુદ્ધિમાં ચમકારો થયો. હું બહાર ગયો. લારી પાસે બે મિનિટ ઊભો રહ્યો. પછી લારીને થોડી સાફ કરી. બે લોટા પાણીથી ધોઈ પણ ખરી. બાનો સાડલો લાવીને પાથર્યો. અંદર જઈને બાનો મૃતદેહ ઊંચકી લાવીને લારીમાં સુવાડ્યો. ટી.બી.ને લીધે બાનું શરીર એટલું દુર્બળ થઈ ગયું હતું કે ઊંચકવામાં કોઈ મુશ્કેલી ન પડી. મૃતદેહ પર એમનો જ બીજો સાડલો ઓઢાડી દીધો અને તુરંત જ લારી લઈને રોડ પર નીકળી પડ્યો. એ વખતે પાડોશીઓના દરવાજા ઘડી બે ઘડી ખૂલ્યાં અને પાછાં બંધ થયાં. આટલી નાની ઉંમરમાં સ્મશાનનો રસ્તો તો ક્યાંથી ખબર હોય ? લોકોને પૂછતાં પૂછતાં સ્મશાન સુધી પહોંચ્યો. બાને એકલે હાથે મેં અગ્નિદાહ આપ્યો.
થોડીવાર બાની સળગતી ચિતા સામે બેઠો. ઊભો થતો હતો ત્યાં જ કોઈએ મારા ખભે હાથ મૂક્યો. એ મસાણિયો હતો જેણે બાની ચિતા પર લાકડાં ગોઠવી આપેલાં. એ બોલ્યા : ‘બેટા, બેસી રહે. દેહનો પૂર્ણપણે દાહ થાય, પછી અસ્થિ લઈ જજે. સિદ્ધપુર જઈને વિસર્જન કરજે જેથી આત્માને શાંતિ મળે.’ પરંતુ હું ત્યાં બેસી ન રહ્યો કારણ કે બા તો ચાલ્યા ગતા હતાં. મારી પાસે સિદ્ધપુર જવાના પૈસા નહોતા. બસ, એમની યાદ મારા રોમેરોમમાં હતી. હું ઘેર આવી ગયો. ઘરમાં પ્રવેશતાં જ મારી હિંમતે મારો સાથ છોડી દીધો અને મારી અંદરનો બાળક બહાર નીકળી આવ્યો. તે દિવસે હું ખૂબ રડ્યો. બાને યાદ કરીને પોક મૂકીને રડ્યો. એટલું બધું રડ્યો કે એટલું તો મારી આખી જિંદગીમાં હું ક્યારેય નથી રડ્યો. મારું રડવાનું ચાલુ જ રહ્યું કારણ કે આસપાસમાં આંસુ લૂછનાર કોઈ નહોતું.’ વાત કરતાં કરતાં એમનો ચહેરો ગમગીન બની ગયો હતો. દુ:ખની લાગણી એમની આંખોમાં છલકાઈ રહી હતી. ધોતિયાંથી આંખમાં આવેલાં આંસુ લૂછતાં તેઓ બોલ્યાં : ‘એ વખતે એટલું દુ:ખ નહોતું થયું જેટલું અત્યારે યાદ કરતાં થઈ આવે છે. આમ તો કોઈ મૃતક વ્યક્તિની સ્મૃતિ માણસને રડાવતી નથી પરંતુ પરિસ્થિતિ અને તે સાથે જોડાયેલી ઘટનાઓ તેને રડાવી જાય છે. ઈશ્વરે આપણને જે વિસ્મૃતિની ભેટ આપી છે એને લીધે સ્વજન તો સમય જતાં ભુલાઈ જાય છે પણ ઘટનાઓ હૃદયનાં કોઈ ખૂણામાં પડેલી રહે છે અને સમયે સમયે આપણને રડાવી જાય છે.’
અમારામાંથી કોઈ બોલ્યું :
‘દાદા, તમને તે વખતે લોકો ઉપર ગુસ્સો ન આવ્યો ?’
‘ના બેટા….. લોકોનો શું દોષ ?’ તેઓ આછું સ્મિત કરતાં બોલ્યાં, ‘લોકો પર ક્યા કારણે ગુસ્સો કરું ? સદીઓથી લોકોની માનસિકતા એક જ છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન – ત્રણેય કાળમાં માણસના માનસમાં કોઈ ફેર પડ્યો નથી બેટા. જો કોઈ સાધનસંપન્ન પરિવારમાં આવું થયું હોત તો લોકો દોડીને હમદર્દી બતાવવા માટે એકઠાં થઈ જાત. પરંતુ ગરીબોનો બેલી કોણ ? મને કોણ સાથ આપે ? પણ ખેર, એ સમયમાં હું ખૂબ શીખ્યો. મારામાં હિંમત આવી, સૂઝ પ્રગટી અને લોકોને પારખવાની શક્તિ પેદા થઈ. એટલે જ કહું છું કે ક્યારેય વિપરિત પરિસ્થિતિઓથી ગભરાશો નહીં. જીવનમાં નાસીપાસ થશો નહિ. આ પ્રકારના સંજોગો માણસની સંવેદનાને જગાડે છે. એ સંવેદના જ જીવન જીવવાના કામમાં આવે છે. બાકી તો દરેકે પોતાના સમય પર આ દુનિયા છોડીને ચાલ્યા જવાનું છે….. કોઈક વેદના લઈને અથવા કોઈક સંવેદના લઈને….’
( www.readgujarati.com ઉપર ૦૫/૦૩/૨૦૧૦ ના મારી આ વાર્તા પ્રકશિત થયેલ . પ્રતિભાવો વાચવાં આ સાઇટ્ની મૂલાકાત લઈ શકો છો)
