(મારી આ પ્રથમ વાત/મારો સ્વાનુભવ જાણીતી અને માનીતી રીડગુજરાતી.કોમ પર નવેમ્બર ૫, ૨૦૦૯ ના રોજ શ્રી મૃગેશભાઈએ પ્રકાશિત કરેલ છે. એમની હું ખુબ જ આભારી છું. એને સાહિત્યરસિક મિત્રોનો સારો પ્રતિભાવ મળેલ છે અને મને મારા બ્લોગની રચના માટે પ્રોત્સાહન મળ્યું. રીડગુજરાતી.કોમના આભાર સાથે માણો મારી રચના. આપના પ્રતિભાવની/કોમેંટની અપેક્ષા સાથે.)
આપણાં રોજિંદા જીવનમાં કેટલીયે ઘટનાઓ બનતી હોય છે. કેટલીક સારી, કેટલીક કડવી, કેટલીક ઉપયોગી તો કેટલીક બિનઉપયોગી. આ ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે આપણને જરાપણ ખ્યાલ હોતો નથી કે અંતે પરિણામ શું આવશે ? કોઈ વખત આપણે કોઈનાં ઉપર વિશ્વાસ મૂકતાં હોઈએ તો કોઈ વખત આપણે કોઈની ઉપર ઢગલાબંધ શંકાઓ કરી બેસતા હોઈએ છીએ. પરંતુ સરવાળે પરિણામ સાવ ઊલટું જ આવતું હોય છે. પૂર્ણ ભરોસો મૂકનાર આપણી દષ્ટિમાં ક્યારેક દોષિત સાબિત થાય અને કોઈ સતત ખટક્યાં કરતું હોય તે આપણને માન-સન્માન આપે ! આપણે સમજી શકતા નથી કે ઘટનાની મૂલવણી કેવી રીતે કરવી અને તેથી પરિણામ પર જ મોટું પ્રશ્નચિન્હ લાગી જાય છે. ત્યારે આપણને મૂંઝારો થયા કરે છે કે, સાચું શું અને ખોટું શું ?
આ સંદર્ભમાં એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે. ઘણાં વર્ષો પહેલાંનો આ દુબઈનો પ્રસંગ છે. પરદેશમાં રહેતા હોઈએ ત્યારે હંમેશા પોતાના દેશનો પડઘો સતત પડ્યા કરતો હોય છે. પરદેશમાં હોઈએ ત્યારે પોતાના દેશની યાદ દિલનાં એક ખૂણામાં સતત ખીલેલી રહેતી હોય છે. હું પણ એમાંથી બાકાત ન હતી. બીજા દેશની પચરંગી પ્રજાની વચ્ચે માનવી પોતાના દેશનાં લોકોને ખોળવા ફાંફાં માર્યા કરે. જરા પણ અણસાર આવે કે આ ભારતીય છે તો મન લલચાયા વિના ન રહે. આરબદેશમાં રહેવું હોય તો એકલતાથી ટેવાવું પડે. આ એવો દેશ છે કે તમે તમારા ઘરમાં વર્ષો કાઢી નાંખો પરંતુ તમારી આજુબાજુ કોણ રહે છે એની તમને જાણ સુદ્ધાં ન હોય. આ દેશોમાં અમેરિકા અને યુ.કે.ની જેમ કાયમી નિવાસ શક્ય નથી હોતો. દરેક લોકો ફલેટ ભાડે રાખીને રહેતા હોય છે, તેથી આવન-જાવન ચાલ્યા કરતી હોય. એટલે જ કોઈની સાથે ન દોસ્તી કે ન દુશ્મની. ઉપરથી સારું જરૂર લાગે કે કોઈની સાથે કોઈ લેવાદેવા જ નહીં ! પરંતુ સાથે કોઈ પાડોશી હોય તો ગમે પણ ખરું એવા વિચારો પણ આવ્યા કરે.
અમે જે ઘરમાં વર્ષો સુધી રહેલાં ત્યાં બહાર ખાસ્સી મોટી ઓસરી હતી. ઓસરીમાં છૂટાછવાયા ફલેટ્સ. તેથી કોણ રહે છે તે ખબર ન પડે. પરંતુ અચાનક એવો સંજોગ આવ્યો કે અમારે બીજી જગ્યાએ ઘર બદલવાનું થયું. નવી જગ્યા સારી હતી. પરંતુ ઓસરી સાવ નાનકડી ! આમને-સામને ફલેટ્સના દરવાજા પડે. મુંબઈમાં રહેતા હોઈએ એવું લાગ્યા કરે. આ કારણોસર પાડોશી કોણ છે એ જાણવાની મને તાલાવેલી થઈ આવી. શરૂઆતના દિવસોમાં જ જાણવા મળ્યું કે સામે એક દક્ષિણ ભારતીય પરિવાર છે અને બાકીના ફલેટોમાં કોઈ ઈરાકી કે સિરિયન એવા લોકો છે. ભારતીય પરિવારની વાત સાંભળીને તેમને મળવાની ઈચ્છા થઈ આવી. આમ પણ ગુજરાતીઓ થોડાં ઈમોશનલ તો ખરાં જ ને ! તે આખરે પહેલ કરી નાંખી !
એક દિવસ હું એમને ત્યાં પહોંચી ગઈ. પતિ-પત્ની બંને કામ પર જાય. નાની દીકરી સ્મૃતિ અને નોકરાણી હતાં. ‘કેમ છો, સારું’ થી શરૂઆત થઈ. તેઓ બેંગલોરના છે તેમ જાણીને આનંદ થયો. દક્ષિણમાં તો બીજે ક્યાંય હું ગયેલી નહીં, પણ બંગલોર ત્રણેકવાર જઈ આવેલી. હવે આપણે જે જગ્યાએ જઈ આવ્યા હોઈએ ત્યાંનું કોઈ છે એમ આપણે જાણીએ એટલે આપણી વાતમાં જોશ આવે. આપણને બધી જ જાણકારી છે એવું આપણે દર્શાવ્યા વગર ન રહી શકીએ ! આવી રીતે મારો વાતોનો સિલસિલો શરૂ થયો. પ્રથમ મુલાકાત સારી રહી. મેં તેઓને ઘરે આવવા નિમંત્રણ આપ્યું. નોકરાણી સાથે પણ વાતો કરી. બીજા લોકોને જોતા ખ્યાલ આવે કે ગુજરાતીઓ નમ્ર ખરા. નાના મોટા દરેકને સમાન ભાવ આપે.
એ બહેન પણ એક દિવસ એમની દીકરી સ્મૃતિને લઈને મારી ઘરે આવ્યા. ઘણી બધી વાતો કરી. વળી પેલો ગુજરાતી સ્વભાવ કંઈ હાજર થયા વગર રહે ! મેં નાનકડી સ્મૃતિને કહ્યું : ‘તને મન થાય ત્યારે આવજે. મમ્મી હાજર ન હોય ને કંઈપણ કામ હોય તો મને વિના સંકોચે જણાવજે.’ સ્મૃતિ ઘણી નાની. છઠ્ઠા ધોરણમાં ભણે. મારી દીકરી ખ્યાતિ કૉલેજના છેલ્લાં વર્ષમાં. છતાં પણ ખ્યાતિએ સ્મૃતિને બરાબર બોલાવી, બેસાડી, વાતો કરી અને થોડી ગમ્મત પણ કરી. એ લોકો વિદાય થયા.
એક દિવસ બપોરે દરવાજાની બેલ વાગી. મેં જોયું તો સામે સ્મૃતિ હતી. એણે પૂછ્યું : ‘આન્ટી, દીદી છે ?’ મેં એને હા પાડી. એટલામાં તો એ અંદર ખ્યાતિની રૂમમાં સીધી દોડી જ ગઈ ! એ દિવસે ખ્યાતિનું ભણવાનું તો બગડ્યું પણ સાથે સુવાનું પણ બગડ્યું. રમ્યા બાદ છેવટે નાસ્તો ખવડાવીને મેં સ્મૃતિને રવાના કરી. ખ્યાતિને પસંદ ન પડ્યું, પણ મેં એને સમજાવી : ‘સ્મૃતિ નાની છે. એને ખાસ સમજણ ન પડે. કોઈકવાર જ આવી છે ને ! રોજ થોડી આવવાની છે ?….’ પણ બે દિવસ પછી ફરી એ જ સમયે સ્મૃતિ આવી. અમારા આરામના સમયે જ તે આવે. ખ્યાતિ ન હોય તો ટી.વી. જોવા બેસી જાય. નાસ્તો કરીને આરામથી બે કલાકે પોતાના ઘરે જાય. એની મમ્મીને આવવાનો સમય થાય તે પહેલાં પહોંચી જાય ! એ પછી તો આવું ચારેક વખત થયું. ત્યારે મને ખબર પડી કે એ નોકરાણીને પરેશાન કરે છે તેથી નોકરાણી એને મારે ત્યાં મોકલી આપે છે. ટી.વી. જોવાની એની મમ્મીએ સખત મનાઈ કરેલી તેથી એ મારે ત્યાં ટી.વી જોવા બેસી જતી હતી. શું કરવું એ મને સમજાતું નહોતું, પણ કંઈક કરવું પડશે એ નક્કી હતું.
એક દિવસ એણે ફરી બેલ માર્યો. દરવાજો ખોલીને મેં એને કહ્યું : ‘બેટા, અત્યારે અમારે સૂઈ જવાનો સમય છે, તું સાંજે આવજે.’
તો એ બોલી : ‘અત્યારે દીદી હોય ને એટલે હું આવું છું. સાંજે તો મારે પણ ટ્યુશન હોય અને મમ્મી પણ આવી જાય.’ મેં હસીને કહ્યું : ‘તો બેટા તું વીકએન્ડમાં આવજે, બસ !’ તે દિવસથી એનું બપોરનું આવવાનું બંધ થયું. પરંતુ રજાના દિવસે એણે સવારના પહોરમાં જ બેલ મારી. મેં કહ્યું :
‘બેટા, દીદી હજી તો સૂતી છે.’
‘આન્ટી, દીદી ઊઠે એટલે મને તુરંત જ બોલાવજો… ભૂલતાં નહીં, હોં ! મમ્મીએ કહ્યું છે કે દીદી હોય ત્યારે જ તારે જવું. આન્ટીને હેરાન ન કરીશ.’ મને મનમાં હસવું આવી ગયું કે ‘તારી મમ્મી ઘણી સમજદાર છે.’
રજાનાં એક દિવસે સાંજે ખ્યાતિની ત્રણેક બહેનપણીઓ આવેલી. કૉલેજના પ્રોજેક્ટનું કામ કરવાનું હતું. કોઈક આવ્યું છે એવી ખબર પડતાં તરત સ્મૃતિ આવી.
‘દીદીની બહેનપણીઓ આવી છે ને ? મારે પણ આવવું છે….’
મેં તેને દરવાજામાં જ રોકી, ‘બેટા, તું નાની છે સ્મૃતિ. અને દીદી ને તેની બહેનપણીઓ કૉલેજમાં છે. એ એમનું કામ કરે છે. હમણાં તારે ત્યાં ન જવાય…’
‘આન્ટી હું અંદર બેસીને કલર કરીશ…’ સ્મૃતિ હાથમાંની કલરબુક બતાવતા બોલી, ‘મમ્મીને બહાર જવું છે ને તેથી મને કલર કરવાનું કહ્યું છે.’
મારી આંખો પહોળી થઈ ગઈ. મેં એને કહ્યું : ‘તું બહારનાં રૂમમાં બેસીને કલર કર.’ પણ એને તો અંદર જ જવું હતું. મેં ના પાડી. એને ન ગમ્યું. એ પગ પછાડતી જતી રહી. એ ગઈ તે ગઈ. એ પછી ક્યારેય પાછી ન આવી. સ્મૃતિની મમ્મીનું ‘કેમ છો’ પણ બંધ થઈ ગયું. ફલેટની લીફટમાં સાથે થઈ જાય તો પણ જાણે ઓળખતા ન હોય એમ મોઢું ફેરવી લે. સ્મૃતિની સામે હું જોઉં તો જાણે જાણતી જ ન હોય એમ જતી રહે. મારે ત્યાં આવતી ત્યારે કલાકો બેસતી, ટી.વી જોતી, ગુજરાતી નાસ્તાઓ જમવાની જેમ ખાતી ! પરંતુ હવે એ મને ઓળખતી ન હતી. આપણે ગુનેગાર હોઈએ એવું બધાનું વર્તન હતું. ત્યારપછી અમારા એકબીજાના દરવાજા પણ ન ખૂલ્યાં.
આજ સુધી મને એ ન સમજાયું કે મેં ખોટું શું કર્યું હતું ? પડોશીને મળવા ગઈ એ મારી ભૂલ હતી ? બહારના દેશમાં પોતાના દેશનાને પોતાના માન્યા એ ભૂલ હતી ? મારી દીકરી મોટી છે અને તે નાની છે એવી સમજણ આપી ન શકીએ તે ભૂલ હતી ? ગુજરાતી હોવાથી લાગણી બતાવી તે ભૂલ થઈ ? કોઈના પર વિશ્વાસ મૂકવો એ ભૂલ છે ? કોઈને પોતાના માનવા એ ભૂલ છે ? જે કંઈ તકલીફ આવેલી તે મને આવેલી. છતાં એ ક્યા કારણથી સંબંધો પર પૂર્ણવિરામ મૂકે છે એ મને ક્યારેય ન સમજાયું. પરંતુ એટલું જરૂર સમજાયું કે સામી વ્યક્તિ ઈચ્છે એવું જ આપણે વર્તન કરીએ તો જ સંબંધો ટકી શકે છે. અને એમની ઈચ્છા વિરુદ્ધનું વર્તન થઈ જાય તો આપણે ગુનેગાર સાબિત થઈ જઈએ છીએ ! તો પછી આપણે એમના માટે ઉમંગથી જે કંઈ કર્યું હોય તે શું એક જ ક્ષણમાં નકામું થઈ જાય ? તો પછી સાચું શું ? ખોટું શું અને સારું શું ?
સરવાળે માત્ર એટલું જ સમજાયું કે આપણે ગુજરાતીઓએ વાતવાતમાં જે લાગણી દેખાડીએ છીએ એ બંધ કરવું પડે. ભાવનાત્મક થવાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. લાગણીપૂર્વક ખેંચાયા વિના સમજપૂર્વક ઉકેલ લાવવાની જરૂર છે. તો જ આ ગૂંચવાડા નહીં થાય. જીવનમાં આપણને વિવિધ પ્રકારનાં લોકો મળ્યાં જ કરશે. કોઈ એક વ્યક્તિ ઉપરથી સમુહ માટે ધારણા બાંધવી પણ યોગ્ય નથી. હા, સાચું શું અને ખોટું શું – એ મૂલવણી કરવાં આપણે બિલકુલ સ્વતંત્ર છીએ. તમારું શું માનવું છે ?
