કીર્તિદા પરીખની રચનાઓ……

મે 9, 2010

છાપાની ભીનાશ

Filed under: લેખ — kirtidaparikh @ 2:28 pm

        (ઈન્ટરનેટનો સમય આવ્યો અને લોકોના હાથમાંથી છાપું સરી પડ્યું. આ લેખ વાચીને દરેક વ્યક્તિને પોતાના વિતેલા દિવસો જરુર યાદ આવશે . છાપા સાથેના ગાઢ સંબંધને વિસરી ગયાની અનુભૂતિ થશે.  મિત્રો ચાલો એ દિવસોને આ લેખ દ્વારા ફરી જીવંત કરીએ.)

વર્ષો પહેલાં એક સમય એવો હતો કે વહેલી સવારે દાતણ કરતાં કરતાં માણસ અખબાર વાંચતો મળે. આ રોજનો ક્રમ. પોતે સમાચાર મેળવે અને આખા ગામને સમાચાર કહેતો ફરે કારણ કે એ જમાનામાં દરેક ઘરમાં છાપું મળે નહીં. જો તમે ત્યાં હોવ તો તમને એમ થાય કે વહેલી સવારે ઊઠીને છાપું વાંચીએ પણ દરવાજો ખોલતાં છાપું દેખાય નહીં તો કદાચ તમે એમ માનો કે છાપાવાળો મોડો આવતો હશે. પરંતુ ના, તમે ભૂલો છો. તમારું જ છાપું બાજુમાં વંચાતું હોય ! એ પણ ઘરના જેટલા વ્યક્તિ હોય એટલા હાથમાં બધા પાના છુટ્ટા થઈને ફરતાં હોય. વળી, લોકો પાછા શિસ્તબદ્ધ ખરાં હોં ! જ્યારે છાપું પાછું આવે ત્યારે બરાબર ગોઠવાઈને આવે. તમને ખબર પણ ન પડે કે આ છાપું કેટલા ઘરની સફર કરીને આવ્યું છે ! પરંતુ હવે સમયનું ચક્ર ફર્યું છે. આજે છાપાની એટલી બોલબાલા નથી. માણસ ઈન્ટરનેટમાં ફસાતો ચાલ્યો અને છાપાને સાવ વિસરી ગયો. અખબાર પસ્તી તરીકે વધારે ઓળખાવા લાગ્યું. એની આવી કફોડી હાલત જોઈને એકવાર મને થયું કે લાવ, આ છાપા જોડે જરા વાર્તાલાપ કરું.

તેથી મેં તેને પૂછ્યું : ‘ભાઈ, કેમ છો તમે ?’
છાપું ઉદાસ સ્વરે બોલ્યું : ‘છેક વહેલી સવારથી આવ્યો છું પણ રાહ જોઉં છું…..’
શેની રાહ જુઓ છો, ભલા માણસ ?’
અરે ! કોઈ હાથમાં ઝાલે તેની રાહ જોઉં છું, બીજી શેની વળી ?’
કેમ લગ્ન કરવાં છે કે શું ?’ મેં ગમ્મતમાં પૂછ્યું.
શું કામ મારી મશ્કરી કરો છો ! અરે મને કોઈ વાંચે તેની રાહ જોઉં છું. સવારના ચાર કલાકથી પડ્યો છું પણ કોઈ મને અડક્યું સુદ્ધાં નથી.’
લોકોને સમય મળે ત્યારે તમને હાથમાં લે ને !’
સમય ?? આ જુઓને કેવા લાંબા ટાંટિયા કરીને ચાની ચુસ્કી લેતાં સિરિયલોની મોજ માણે છે….’ છાપું બોલ્યું.
ના…ના… તેઓ સિરિયલ નથી જોતાં. એ તો રાત્રે ઊંઘ નહીં આવી હોય એટલે જરા આરામ ફરમાવે છે.’

છાપું એક ઊંડો શ્વાસ લઈને બોલ્યું : ‘અરે હું અહીં છેલ્લાં ચાર કલાકથી ટૂંટિયુંવાળીને પડ્યો છું. એ તો હજુ હમણાં જ ઊઠ્યાં. મોટેથી નસકોરાં બોલાવતા તેઓ સૂતા હતાં અને તમે કહો છો કે હવે આરામ ફરમાવે છે ?’
કેમ આટલા બધા નારાજ છો ?’ મેં હસીને કહ્યું.
નારાજ તો થઉં જ ને. આખી રાત મશીનોની ટપટપથી મેં છૂંદણા છુંદાવ્યા છે. આ જુઓ મારું શરીર. કેવું આખેઆખું વિંધાઈ ગયું છે. હું મારી ઊંઘ બગાડીને આવું છું તોય અહીં તો કોઈને પડેલી જ નથી.’
શું થાય ભાઈ ? હવે સમય બદલાયો છે. હવે લોકો ઈન્ટરનેટ પર સમાચાર મેળવી લે છે. તમારી જરૂરત ઓછી પડે છે.’
ખરેખર ! આ ટીવી અને કોમ્પ્યુટરે તો હેરાન-પરેશાન કરી નાખ્યાં. અમારી વાત તો કોઈ વાંચતું જ નથી. બધા જ લોકો બસ ટીવીના સમાચારોની જ વાતો કરે છે. પોતાના ગામમાં શું બન્યું તેનું ધ્યાન નથી અને વિદેશની ખબરો ચશ્માં ચઢાવીને જુએ છે !’
હા… એ ખરું….’
આ જુઓ ને ! લોકો દાતણ કર્યા વિના ચા પીવે છે અને પાછાં ચપટી વગાડતાં વગાડતાં ટીવી જુએ છે. કેટલું બીનજરૂરી જોઈને પોતાનો સમય બગાડે છે….’

એટલામાં બાબલો લૅપટૉપની બેગ ઝુલાવતો ઝુલાવતો આવ્યો. ભાઈના હાથમાંથી રિમોટ લઈને ચેનલ ફેરવી નાખતાં બોલ્યો : ‘પપ્પા, જરા જોઈ લઉં કે પાકિસ્તાને કેટલા રન કર્યાં….’
છાપું આ સાંભળીને ટટ્ટાર થઈને બોલ્યું : ‘આ જુઓ ને ! છેલ્લા પાને મોટા અક્ષરે લખેલું છે કે આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ છે અને આ ભાઈ તો જાણે ઊઠીને ગળાફાંસો ખાતા ખાતા સમાચાર જુએ છે. આપણા દેશના સમાચારોની પડી નથી અને પારકા દેશોની વાતો કાન સરવા કરીને સાંભળે છે.’ છાપાની વાત સાંભળીને હું કંઈ જ ન બોલ્યો કારણ કે મને લાગ્યું કે તેની વાત સાચી છે. એટલામાં તો બાબલાએ કૉમ્પ્યુટર ખોલ્યું અને પપ્પાની સામે જોતાં બોલ્યો :
પપ્પા, હવે દરેક વસ્તુ તમે ફટાફટ કરી શકો. તમે આ કોમ્પ્યુટર કેમ શીખી નથી લેતાં ? દુનિયાભરના સમાચાર એક સેકન્ડમાં મળી જાય.’
તે શીખવને દીકરા….’ બાપા બોલ્યા.
બાબલો છાપું લેવા વાંકો વળ્યો અને છાપું થોડું ખુશ થયું. હું કંઈ સમજું તે પહેલાં બાબલાએ છાપું ખોલ્યું અને ફટાફટ પાનાઓ ફેંદવા માંડ્યા. કંઈ ન મળતા છેવટે બોલ્યો કે ‘પપ્પા, હું યોગેશને પૂછી જોઈશ, આ પેપરમાં તો કોઈ જાહેરાત નથી…’ એમ કહી તેણે છાપું સોફા પાસે ફેંક્યું.

છાપું મારી સામે જોઈને સહેજ મલકાયું અને બોલ્યું કે ‘જાહેરાત તો છે જ પણ એ બુદ્ધુલાલને દેખાય તો ને ! રોજ છાપું વાંચે તો અક્કલ આવે કે કઈ વસ્તુ કયા પાના પર હોય. એને તો બસ ફેરવવાની અક્કલ છે.’ મને છાપાની વાત સાંભળીને હસવું આવ્યું. છાપું મારી સામે જોઈને બોલ્યું, ‘જુઓ, બીજા બે કલાક પસાર થયા. હજુ છે કોઈ મારો વાંસો થાબડનાર ?’ એટલામાં તો બગાસા ખાતી બેબલી આવી અને ધડામ દઈને સોફામાં પટકાઈ. છાપાના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે ‘ઓ મા રે…. મારા હાડકાં ભાંગી નાખ્યાં…’ બેબલી તો સોફામાં લાંબી થઈને પપ્પા સામે જોઈ બોલી :
ડેડી, 32 નંબરની ચેનલ કરો…’
પણ બાપા સાંભળે તો ને ? એ ટીવી જુએ છે કે ઊંઘે છે એ તો એ જ જાણે. બેબલી સફાળી કૂદી અને છાપાને ચગદીને રિમોટ લેવા હાથ લાંબો કર્યો.
અરેરે…. મરી ગયો…..’ છાપું બોલ્યું.

એટલામાં ડૉરબેલ વાગી. છાપું આટલા દુ:ખ વચ્ચે પણ આશાવશ ડોકિયું કર્યા વિના ન રહ્યું. એ તેમની કામવાળી બાઈ આવી હતી. બાએ રસોડામાંથી જ બૂમ પાડીને બાઈને કહ્યું, ‘નિર્મળા, બહાર બેઠાં બેઠાં શાક કાપી નાખ.’ મને કંઈ સમજાય તે પહેલાં નિર્મળા શાકની થાળી નીચે મૂકીને છાપા ઉપર બેસી ગઈ. બિચારું છાપું સાવ ગૂંગળાઈ રહ્યું હતું. બીજો કોઈ ઉપાય નહોતો. બાઈ ઊઠી ત્યારે તેનાથી જરા શ્વાસ લેવાયો.
મેં પૂછ્યું : ‘હવે રાહત થઈ ?’
ઠીક છે. પરસેવાની ગંધ જતાં હજી બીજા બે કલાક લાગશે.’ ત્યાં તો બેબલી ઝાડુ લઈને આવી. તેણે છાપાને કૉર્નર ટેબલમાં પધરાવ્યું. છાપાએ ઘણા ધમપછાડા કર્યાં, દરવાજા થપથપાવ્યા પરંતુ ટીવીના અવાજમાં સાંભળે કોણ ? આખરે છાપું બિચારું થાકી હારીને સૂઈ ગયું. બરાબર ઊંઘ જામેલી ત્યાં કોઈએ દરવાજો ખોલ્યો અને છાપાને કચકચાવીને ફેરવ્યું. છાપાએ જોયું તો એ બહેનબા હતાં. તેને થયું કે ચાલો કોઈક તો મને ચાહે છે. એટલામાં બહેનબા બરાડ્યાં : ‘આજે 20 તારીખ છે, 21 નહીં…..’ એમ કહી વળી પાછું એમણે છાપાને જોરથી ટેબલમાં ફેંક્યું અને ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. છાપાને હવે રોવું આવતું હતું. આંખો બંધ કરીને પડી રહેવા સિવાય તેની પાસે કોઈ રસ્તો નહોતો. આમને આમ અંધારું ક્યારે થયું તેની ખબર ન પડી. અંધારાને લીધે કંઈ દેખાતું પણ નહોતું. છાપાએ ટેબલની લાકડાની દિવાલમાં કાન અડકાડ્યાં તો અંદરની વાતો સાંભળીને તેનો પસીનો છૂટી ગયો.

અંદરના રૂમમાં બાબલો બોલી રહ્યો હતો :
પપ્પા, આ જમાનો ઈન્ટરનેટનો છે. ઘરે ઈન્ટરનેટ લઈ લો. ઈન્ટરનેટ ઘરમાં હોય તો બધી જ માહિતી ક્ષણવારમાં હાજર. બેબલીનું પણ જલ્દીથી ગોઠવાઈ જશે અને તમારો વટ પડશે એ નફામાં. આમેય છાપું કોણ વાંચે છે ? એમનેમ પડેલું હોય છે આખો દિવસ.’
બાબલા, તે આ ઈન્ટરનેટનો ખર્ચ કેટલો આવે ?’ બાપાએ માથું ખંજવાળતાં પૂછ્યું.
થોડો ઘણો ખર્ચ આવે પણ એ તો આપણે છાપું બંધ કરી દઈશું.’ આ વાત સાંભળીને છાપું હૃદયનો ધબકારો ચૂકી ગયું. તે પોતાના પાના ફેરવીને મનોચિકિત્સકની જાહેરાત શોધવા લાગ્યું. તે એટલું બધું ગભરાઈ ગયું કે તેની આંખે અંધારા આવવા લાગ્યાં. એને કંઈ જ દેખાતું નહોતું. એટલામાં છાપાને વ્હાલથી કોઈએ ઊઠાવ્યું. છાપાને હાશકારો થયો. એ બાબલાના દાદા હતા. તેઓ બીમાર હોવાથી રૂમની બહાર ખાસ નીકળતાં નહોતાં. છાપાને હૃદયસરસું ચાંપીને તેઓ બોલ્યાં : ‘ખબરદાર ! જે બંધ કરવું હોય તે કરજો, પણ છાપું તો બંધ નહીં જ થાય. વર્ષોથી એ મારી સાથે છે. એના વગર મારી સવાર થતી નથી અને રાત્રે પણ એના વગર મને ઊંઘ આવતી નથી. એ તો ક્યારેક તબીયત ઠીક ન હોય તો હાથમાં લેવાતું નથી એ જુદી વસ્તુ છે. બાકી છાપું તો ચાલુ જ રહેશે.’ દાદાની વાત સાંભળીને છાપું રાત્રે અગિયાર વાગ્યેય થનગની ઊઠ્યું. છેલ્લે દાદાએ બાબલાને ઉદ્દેશીને કહ્યું : ‘તારી દાદી છોડીને ચાલી ગઈ પણ આ છાપાએ મને હંમેશા સાથ આપ્યો છે….’

આ પ્રેમભરી વાણી સાંભળીને છાપાની આંખ ભીની થઈ ગઈ.

12 Comments »

  1. Respected Kirtida,
    Your writings are true to the times in we live.But as you have highlighted in this story, there are people especially older like conventional News Papers and Books. I too feel empty if News Paper does not come due to Holidays.
    Dr P A Mevada, “saaj”

    Comment by venunad — મે 9, 2010 @ 4:06 pm | Reply

  2. કીર્તિદા બેન,
    બહુજ સરસ,હું પણ ઉઠું એવો પહેલો જ છાપા માટે દોડતો.અથવા મારો પહેલો સવાલ હોય કે પેપર આવ્યું કે નહિ?બ્રશ કરીને ચા કે દૂધ હાથમાં ઝાલીને છાપું વાંચવાનું શરુ.મારા શ્રીમતી ઘણી વાર ચીડાતા કે ઉઠે એવા છાપું ઝાલી ને બેસી જાય છે.મારું છાપું પાડોસીના કામ ના લાગતું કારણ પડે તેવુજ ઉઠાવી લેતો.વર્ષો થી સંદેશ વાચતો ને દિવ્યભાસ્કર આવ્યા પછી બંને મંગાવતો.અને અહી અમેરિકા આવ્યા પછી બધું બંધ થઇ ગયું છે.પણ આપની રજૂઆત એકદમ સરસ છે.હાલ નેટ પર છાપું ને મારું પ્રિય સફારી ખોલી ને રોજ એકાદ વાર તો વાંચી લઉં છું.દિવ્યભાસ્કર માં ફીડબેક લખતા લખતા બ્લોગ માં લખવાનું ચાલુ થયું.થોડા આર્ટીકલ દિવ્યભાસ્કર ઓનલાઈન માં છપાયા ને ચાનક ચડી તો બ્લોગ શરુ કર્યો.અને હવે જામી ગયું છે.છાપા નો જ ઉપકાર છે.છાપા ને કહેશો બહુ ના રડે નહીતો અમને પણ રડવું આવી જશે.

    Comment by Bhupendrasinh Raol — મે 9, 2010 @ 5:58 pm | Reply

  3. it’s real story. even once a week i told my daughter to read newspaper.now some time she read highlights and discuss with me.

    we all like to read newspaper.
    i like ur article and subject.

    Comment by falgun — મે 10, 2010 @ 11:01 am | Reply

  4. તમારી કલ્પનાશક્તિ અને વર્ણન શક્તિને સો સલામ.

    Comment by સુરેશ જાની — મે 10, 2010 @ 2:03 pm | Reply

  5. Thanks Kirtidaben and Bhai Suresh to read her Hasya lekha in Hasyadarbar.

    Editor
    Hasyadarbar

    http://www.bpaindia.org

    Comment by dhavalrajgeera — મે 10, 2010 @ 2:28 pm | Reply

  6. છાપાની વ્યથા આપે બરાબર સમજી છે. મારી સવાર પણ છાપું વાંચ્યા વિના પડતી ન્હોતી. હવે નોકરી માટે ઘરેથી વહેલા નીકળવું પડે છે. ઘણીવાર તો હું નીકળું ત્યારે છાપું આવ્યું પણ નથી હોતું. એટલે હવે સાંજે આવીને વાંચવાનો નિયમ રાખ્યો છે. જોકે સવાર જેવી મજા તો આવતી જ નથી.

    Comment by Heena Parekh — મે 10, 2010 @ 3:15 pm | Reply

  7. છાપુ વાંચવાનો મને ભારે શોખ,કોઇ શબ્દ પૂર્તિમાંનો તો રહી જ ના જાય.

    જોકે સવારે કામ પર જવાનું હોવાથી બપોરે અને રાત્રે આરામ ખુરશી પર

    તેનો જ સથવારો.પણ આપે છાપાની મનોવ્યથા ઝીલી તે આજની પળે

    સાવ સાચી.સુંદર આધુનિક વાર્તા,મજાથી માણી ઘરઘરની વાત.

    રમેશ પટેલ(આકાશદીપ)

    સોનેરી વાત …રમેશ પટેલ(આકાશદીપ)
    Pl find time to visit and comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Pate

    Comment by Ramesh Patel — મે 10, 2010 @ 7:30 pm | Reply

  8. very good article !

    Comment by અક્ષયપાત્ર — મે 11, 2010 @ 1:42 am | Reply

  9. Dear Kirtida

    Very relevant and contemporary-poor News Paper-our own TOI-still waiting to be read !!
    Yr story took me back to the days of my hostel when we used to religiously go to reading room and read whatever pages we would get of available papers-the first thing in the morning.
    I still believe reading a paper gives you better understanding and comprehension of the event as you read at yr own speed of perception-the internet bombards you with many things and you just grasp nothing-just keep scanning !!
    Keep sending me yr new creations—God Bless you

    Comment by TUSHAR VORA — મે 14, 2010 @ 6:18 pm | Reply

  10. છાપા પરનો છાપો સરસ છે.

    ધીરે ધીરે છાપાઓની પેપર આવૃત્તિ પરથી લોકો ઈન્ટરનેટ પર આવતી આવૃત્તિ તરફ વળી રહ્યા છે એ વાસ્તવિકતા છે.
    અહિં અમેરિકામાં પહેલાં કરતા પેપરોના પાનાઓ ઓછા થઈ રહ્યા છે. દેશના મોટાભાગના છાપાઓ ઓનલાઈન રોજ વાંચી લઉં છું. વળી પસ્તી સાચવવાની નહિં. જે તે તારીખનું છાપું એક ક્લિક કરવાથી વાંચી શકાય. એ મોટો લાભ છે. આમ છતાં પણ મોટાભાગના છાપાઓની અઠવાડિક આવત્તિ બહાર અમેરિકામાં બહાર પડે છે. એ વેચાય પણ છે. એ પણ હકીકત છે.
    આપના છાપાની ભિનાશ માણવાની મજા આવી.

    વળી આ જ લેખ રીડગુજરાતી પર મે ૭,૨૦૧૦ અને નવસારીથી પ્રકાશિત થતા ‘લોકપડકાર’ ના મે ૧૧, ૨૦૧૦માં પણ પ્રકાશિત થયેલ છે. એ જાણી આનંદ થયો.

    આપની આ જ રીતે ‘કીર્તિ’ ફેલાતી રહે એવી હાર્દિક શુભકામનાઓ.

    Comment by નટવર મહેતા — મે 16, 2010 @ 1:09 pm | Reply

  11. chhapa vishe khub saras vat kari chhe. thanks..

    http://www.sagarramolia.gujaratiblogs.com

    Comment by sagar ramolia — મે 23, 2010 @ 7:05 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.